છ વર્ષના લાંબા વિરામ પછી આ બીજું પુસ્તક ‘આભાસ’ વાચકો સમક્ષ મૂકતાં મને પહેલાં પુસ્તક જેટલો જ રોમાંચ અનુભવાય છે. ૨૦૧૮માં પહેલું પુસ્તક ‘કોફીનો એક કપ’ પ્રકાશિત થયા પછી નબળાં સ્વાસ્થ્ય અને કેટલીક સામાજિક જવાબદારીઓને કારણે લેખનયાત્રા જાણે થંભી જ ગઈ હતી. આટલાં વર્ષો પછી ફરી કલમ હાથમાં લીધી છે. વાર્તાલેખનમાં થોડા પ્રયોગો પણ કર્યાં છે. એ પ્રયોગશીલ વાર્તાઓ અને અન્ય સામાજિક સંવેદનોને રજૂ કરતી પંદર વાર્તાઓનો આ સંગ્રહ વાચકોને પસંદ આવશે એવી આશા છે. આ સંગ્રહમાં ગઝલોને સમાવતી, તેની પંક્તિઓ પર લખાયેલી વાર્તા, બે સખીઓના સંવાદમાંથી ત્રીજી વ્યક્તિના જીવનની ખૂલતી પરતોની વાર્તા, સરોગસી તેમજ અન્ય લાગણીસભર વાર્તાઓનો સમાવેશ કર્યો છે. મારા પહેલાં પુસ્તક જેટલો જ આવકાર આ પુસ્તકને પણ મળશે એવી આશા. પુસ્તકમાં બે વાર્તાઓ ગઝલ પરથી લખી છે , એ બે ગઝલકાર શ્રી રમેશ ગુપ્તા, અને શ્રી જવાહર બક્ષીનો પરવાનગી આપવા બદલ અત્રેથી આભાર માનું છું. કવર બનાવી આપવા બદલ મારી વહુ કૃપાનો પણ આભાર માનું છું. – નિમિષા દલાલ