સન ૧૯૫૭માં પ્રકાશિત થયેલી અને રશિયન ક્રાંતિ અને તેના પછીના ગૃહયુદ્ધના કપરા સમયની પૃષ્ઠભુમી ધરાવતી શ્રી બોરીસ પાસ્તરનાકની પ્રસિદ્ધ નવલકથા ડૉ. ઝિવાગો મુખ્યત્વે પ્રેમ, નૈતિક મૂલ્ય, અને માનવીય સંઘર્ષોને પ્રતિબિંબિત કરે છે. આ નવલકથામાં રશિયન સમાજના પરિવર્તન, વિચારધારાઓના સંઘર્ષ, અને વ્યક્તિગત મૌલિકતા સામે સામ્યવાદી રાજકીય તાકાતનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. લેખક પાસ્તરનાકના દ્રષ્ટિકોણથી માનવીય ભાવનાઓ, સ્વતંત્રતા, અને નૈતિકતાની સંઘર્ષમય સ્થિતિનું વર્ણન નવલકથાનું મુખ્ય મુદ્દા છે. યૂરિ ઝિવાગો એક અણગમતો વિદ્રોહી નથી, પરંતુ તેનું જીવન અને કવિતાઓ તે સમયના રુઢીચુસ્ત અને દમનકારી તંત્ર માટે ચિંતાનો વિષય બને છે. કથાનાયક યૂરિ ઝિવાગો, એક ડૉક્ટર, લેખક અને કવિ છે, જે પોતાના અંગત જીવન અને સામાજિક અને રાજકીય પરિવર્તન વચ્ચે સંઘર્ષ કરે છે. ‘ડૉ. ઝિવાગો’ના પ્રકાશન પછી, શ્રીમાન બોરીસ પાસ્તરનાકને જોરદાર રાજકીય દબાણનો સામનો કરવો પડ્યો, કારણ કે આ કૃતિને તે સમયની સત્તાધીશ સોવિયેત સરકાર માટે ખતરો માનવામાં આવી હતી. 1958માં, બોરીસ પાસ્તરનાકને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો, પરંતુ તેમને રશિયન સરકારના દબાણ હેઠળ તે પુરસ્કાર તેઓ સ્વીકારી શક્યા નહીં. આ કૃતિ અદ્વિતીય શૈલી, કાવ્યાત્મક ભાષા, અને ક્રાંતિકારી યુગમાં માનવીય સંવેદનાઓના ઘર્ષણને કારણે વિશ્વસાહિત્યમાં અવિસ્મરણીય રચના તરીકે સ્થાયી રહી છે. અશોકકુમાર હંસદેવજી સાગઠિયા
