Nav Naveli Raat Ma(Gujarati) by Dr. Mahesh Thakar

આદ્યશક્તિની આરાધના અને ઉપાસના યુગોથી વિશ્વ અને બ્રહ્માંડની શાંતિ કાજે થતી આવે છે. એવું માનવમાં આવે છે કે કોપાઇમાન દેવી દુર્ગા એ જ્યારે સંહાર આદર્યો ત્યારે દેવાધિદેવ ભગવાન શંકરે પણ તેમની સ્તુતિ કરીને તેમના ક્રોધને શ્રેયાર્થે વાળેલો. જ્યાં દેવી વિશ્વંભરી જગતની જનેતા તરીકે પૂજાય છે ત્યાં ક્યારે કોઈને ઓછા કે ઉણપ અનુભવાતી નથી. મા ભવાનીની ભક્તિ કશી અકાંક્ષા કે અપેક્ષા વિહોણી હોય તો વધુ ફળે છે. દેવી ભાગવતમાં જણાવ્યા મુજબ નવરાત્રી દરમિયાન કરેલી ભવાની માતાનું નામ સ્મરણ જાપ, નવરાત્રી વ્રતનો વિધિ વિધાન વગેરે કલ્યાણકારી છે. નવરાત્રી આરાધના ને કોઈ ઝાકમઝોળ કે નિશ્ચિત વેશભૂષાની પણ જરૂર નથી. આ નવરાત્રી વ્રત ઉજવવા હૃદયના ભાવ જોઈએ. આત્માનો સમર્પણ જોઈએ અને અહમનો હ્રાસ જોઈએ. આદ્યાશક્તિ જ એકમાત્ર અશરણનું શરણ છે તેવો આવીર્ભાવ હોવો જોઈએ, અને તો જ વ્રતધારીથી સહૃદય સ્તુતિ સ્વયં થઈ જાય છે. સમર્થ અને પ્રાપ્તિ માટે શક્તિ સ્વરૂપની ઉપાસના એટલે નવરાત્રી વ્રત. નવરાત્રિના નવ દિવસો શક્તિ સાધકોને સાધનાના દિવસો ગણાય છે. તે નવ દિવસ અખંડ દીપ પ્રગટાવીને નવરાત્રી વ્રત દરમ્યાનમાં જગદંબાની પૂજા કરીને તેમની પાસેથી અમોધ શક્તિ પ્રાપ્ત કરવાના નવલા દહાડા એટલે જ નવરાત્રી. આ વ્રત કરીને સાધનાનો સુર પકડી લઈએ અને જીવનને સમર્પણના સંગીતથી ભરી દઈએ તો કલ્યાણ જ થઈ જાય. ત્વાં પરા પ્રકૃતિ: સાક્ષાત બ્રહ્મ: પરમાત્મન: ત્વ તો જાતં જગત્સર્વ, જગજનની શિવે હે શિવે! તુજ પરબ્રહ્મ પરમાત્માની પરાશક્તિ છે, પરાપ્રકૃતિ છે. તારામાંથી જ સમગ્ર વિશ્વની ઉત્પત્તિ થઈ છે, તું જ અખિલ વિશ્વની જનની છે. – ભાવિકાબેન ગોહિલ, ભરૂચ