શ્રી સ્વામિનારાયણ નામનો મહિમા જીવનમાં પૂજ્ય બા થી મળ્યો જે પરિવારમાં પૂજ્ય કાકા, ફૈબા, પપ્પા-મમ્મી અને સદ્દગત બેનની શ્રદ્ધા અને ભક્તિ સાથે દ્રઢ થઇ મારામાં આસ્થાનું બળ બની રહ્યું. જીવનની પ્રત્યેક ક્ષણોમાં હરિકૃષ્ણ મહારાજ સાથે જ છે એ વિશ્વાસ કાયમ મનમાં રહ્યો. મહારાજના મંદિરો, પ્રસાદીનાં સ્થાનકો,શિક્ષાપત્રી,વચનામૃત, મહારાજની ચેસ્ટાઓ,કીર્તનો,પારાયણો બધું જ નાનપણથી આકર્ષતું રહ્યું હતું,પરંતુ ખરી સમજણ મહારાજનો મહિમા પૂજ્ય ગુરુજી જ્ઞાનજીવનદાસજી સ્વામી ( કુંડલધામ ) ની કથાઓથી વિકસીત થતું અનુભવ્યું. મમ્મીને ગુમાવ્યા અને એ જ સમયે ગુરુજીની ઓનલાઈન કથા અને સત્સંગ બંનેની નજીક આવી જેણે અમૃતલેપનું કાર્ય કર્યું. નવલકથા, ઇતિહાસ વિષયક પુસ્તક,વાર્તાસંગ્રહ, કાવ્ય સંગ્રહ વગેરે સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું હતું પરંતુ કીર્તન લખવાનું ક્યારેય વિચારેલું જ નહીં. રવિસભામાં ‘આવો નજીક થઈએ’અંતર્ગત પૂજય ગુરુજી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ રવિસભા માં મારા ‘વાર્તાવિશ્વની’ વાર્તાનું દ્રષ્ટાંત આપ્યું અને કુંડળ ધામથી ઘનશ્યામ મહારાજ અમારા ઘરે લાવ્યા અને એ મહારાજ રાત્રે દસ વાગે ઘરે લાવ્યા અને એ સમયે અનાયાસે પ્રથમ કીર્તન લખાયું. મમ્મીના અક્ષરવાસ પછી કલમ,જીવન સુકાઈ ગયું લાગતું હતું ત્યારે આખું વર્ષ બીજું કંઈ જ નહીં માત્ર કીર્તનો જ લખાયા. પૂજ્ય ગુરુજીની કથા મનને સતત શાંતિ આપતી રહી અને કીર્તનો લખવા પ્રેરણા આપતી રહી. હું ક્યારેય કીર્તનો લખીશ તેવો લેશમાત્ર વિચાર સુદ્ધા નહોતો આવ્યો પરંતુ કુંડળધામથી આવેલ ઘનશ્યામ મહારાજની મૂર્તિને જોઉં અને બસ લખાય જાય… આ કીર્તનો લખવામાં હું તો નિમિત્ત માત્ર છું ખરેખર તો શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને પૂ. ગુરુજીના આશીર્વાદ જ પ્રેરણાના સ્ત્રોત્ર છે. ભરૂચ સત્સંગ મંડળની આભારી છું જેમણે મને નિત્ય કથા તરફ દોરી. સૌને ભાવથી જયશ્રી સ્વામિનારાયણ. –દર્શના વિરલ વ્યાસ.’દર્શ’
