“માતૃ વંદના, પિતૃ વંદના, ગુરુ વંદના કીજીએ, ગણેશ પ્રભુને યાદ કરી, કાર્ય શરૂ કીજીએ; સરસ્વતી માતાનાં ચરણે, પ્રથમ કલમ પૂજીએ, લક્ષ્મી-વિષ્ણુ નમન કરી, શિવ-આશિષ લીજીએ.” ઘણા વખતથી માજી કહે છે કે – કલમ ઉપાડો, તમારે ગદ્ય અને પધરૂપે ધાર્મિક ગ્રંથ લખવાનો છે. તમારી એક્ટિવિટીનો એક મહત્ત્વનો ભાગ છે. શું લખવાનું છે એ પ્રોપર સમજાતું નથી. ત્યાં એક પુસ્તકમાં વાંચ્યું કે -‘મીરાબાઈ, તુલસીદાસ, તુકારામ, સુરદાસ વગેરે લોકોએ પોતાના અનુભવનાં લખાણો, કાવ્યો લખ્યાં હતાં; જે આજે પણ લોકોને જ્ઞાન આપે છે, અને એમની આધ્યાત્મિક શક્તિઓની સાક્ષી પૂરે છે. હવે સમજાયું કે માજી મને મારા જીવનનાં આધ્યાત્મિક અનુભવો, જ્ઞાન, જન્મોની કથા વગેરે વિશે લખવાનું કહે છે. એમાં ચાર યુગોની વાતો, ચૌદે લોકના રહસ્યની વાતો, જે મને માજી દ્વારા અને સ્વ-અનુભવોમાંથી જાણવા મળી છે, તે લખવાનું કહે છે. મને મારી દષ્ટિ જે દેખાડે છે અને જેટલું સમજાય છે, એના પરથી એટલો ખ્યાલ આવે છે કે આ એક મોટી જવાબદારી છે. કોઈ પણ લખાણમાં કોઈ પણ પ્રકારની ભૂલને ચલાવી ન શકાય માટે હું મારા ગુરુજી, બ્રહ્યાજી, વિષ્ણુજી, શિવજી, ગણેશજી, માતાજી સર્વે શક્તિઓને નીચેના ભજન દ્વારા પ્રાર્થના કરું છું.
