‘વાર્તાવિશ્વ-કલમનું ફલક’ના સ્થાપક શ્રી દર્શનાબહેન વ્યાસ તથા સમગ્ર ટીમને અભિનંદન. મનુષ્ય જાતિના જન્મથી માંડીને આજ સુધી વાર્તાનું વિશ્વ માનવ માટે અતિ રોચક રહ્યું છે. રામાયણ, મહાભારતની કથાઓથી માંડીને તમામ પ્રાદેશિક બોલીઓનું લોકસાહિત્ય વાર્તારસને પોષતું આવ્યું છે. એક સામાન્ય કથાપ્રવાહના આનંદથી માંડીને મનુષ્યની અંત:ચેતનાના સ્ફુલ્લિંગો પ્રગટાવતી, ચિત્તની પરાવાસ્તવિક સૃષ્ટિના નિર્દેશો કરતી, સ્વપ્નવાસ્તવના વિશ્વની મનોહર દુનિયા રજૂ કરતી આ વાર્તાનું મોહમયી વિશ્વ આબાલવૃદ્ધ સૌને આકર્ષે છે. વાર્તારસ સ્થળ-કાળથી પરે માનવચેતનાને પોષતો પ્રવાહ છે.
