Description
બેફામ સાહેબની ગઝલની જેમ મને પણ મારી કહાની સુણાવી હતી. તો થયું, ચોર્યાસીથી શરૂ કરું. ચોર્યાસી મારો પ્રથમ અછાંદસ કાવ્યસંગ્રહ, નવમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે, સ્કુલ લાયબ્રેરીમાં એક પુસ્તક હાથમાં આવ્યું. પુસ્તકનું નામ “કવિતા” એટલે તરત ખોલ્યું. પહેલા જ પાના પર એક બ્રમ્હાસ્ત્ર જેવો શેર વાંચ્યો. બ્રમ્હાસ્ત્ર કદી નિષ્ફળ નથી જતું એમ એ શેરએ મારા અસ્તિત્વને જકડી લીધું (જગાવી દીધું). પુજ્ય અમૃત ઘાયલ ( ધાયલ દાદા ) નો એ શેર, “છે કૃષ્ણનાં સુદર્શન જેવો જ ઘાટ મારો ધારો તો ધર્મ છું ફેંકો તો ધ્વંશ છું હું.” કૃષ્ણને જીવતો જીવ હોય, એને જેટલી વાંશળી વ્હાલી એટલું જ સુદર્શન પણ વ્હાલું હોય જ. મારી કવિતા લખવાની શરૂઆત ત્યાંથી જ થઈ. કલમ ધબકતી થઈ ત્યારે, પહેલું અછાંદસ લખાયું “સપનું” જે આ ચોર્યાસી મણકામાં સામેલ છે. આ પહેલી જ રચના VRTI દ્વારા પ્રકાસિત થતા મેગેઝિન “વિવેકગ્રામ” માં પ્રકાશિત થઈ ત્યારે, મારા કરતા મારી કલમ રાજી થઈ. અને, એ પછી એણે અવિરત પણે વહેવાનું ચાલુ રાખ્યુ. ચોર્યાસીની શરૂઆત “પિતા” થી, પિતા સ્વર્ગે સીધાવ્યા એ દિવસ મારા જીવનની અમાસ. મારા બાપુ માટે લખાયેલું આ કાવ્ય મારું ભાગવત છે. મારું કવિતા લખવાનું મુળ કારણ! “મારી છઠ્ઠીનો દીવો, અને પીપળાનું પાન. “આ બેન્નેના સહારે પરિવારે જે નામ પાડ્યું, એને સરસ્વતીનાં આશિર્વાદ પ્રાપ્ત થયા અને, કવિતા કવિતામાં ભળી. હું લખું છું એટલે કવિતા છું! કે, કવિતા છું એટલે લખું છું એ તમારા પર છોડ્યું. ચોર્યાસીમાં વ્યક્ત થતું મારું ભાવ જગત, મારી હ્રદયની લાગણી અખંડ રહે, સહજ રહે અને આપનાં સુધી પહોંચે એ જ મા સરસ્વતીને પ્રાર્થના. જેટલું પણ લખ્યું છે એ મા સરસ્વતી એ બોલ્યું છે, અને કૃષ્ણએ લખાવ્યું છે. આપની નજર એને અમુલ્ય બનાવશે એવી આશા સાથે. મારો પ્રથમ અછાંદસ કાવ્યસંગ્રહ “ચોર્યાસી” – કવિતા ભટ્ટ રાવલ ‘કાવ્યહાર્દ’
Reviews
There are no reviews yet.