Description
દુનિયામાં કેટલાંક કિસ્સાઓ એવા હોય છે જે બીજાને વંચાવવા માટે નથી લખાતા, પણ એ તો માત્ર જીવવા અને અનુભવવા માટે હોય છે. ડાયરીના બંધ પાનાંઓમાં કેદ થયેલા એવા જ અનુભવોનો આ એક અમૂલ્ય ખજાનો છે. આ પુસ્તક એ કોઈ લેખકની કલ્પના નથી, પણ મારા પિતાના જીવાયેલા જીવનની એક અરીસો છે. આ પૃષ્ઠોમાં મારા પિતાના વિચારો, સંઘર્ષો અને જીવનના વિવિધ પડાવ વણાયેલા છે. તેમનો ઉદ્દેશ્ય કોઈને પ્રભાવિત (Impress) કરવાનો ક્યારેય નહોતો, પણ પોતાની જાતને અભિવ્યક્ત (Express) કરવાનો ચોક્કસ હતો. અહીં માત્ર એક વ્યક્તિની મુસાફરી નથી, પરંતુ વર્ષોની મહેનત અને સભાનતાથી મેળવેલા જીવનમૂલ્યો, નિખાલસ લાગણીઓ અને અનુભવની એ શાણી વાણી છે, જે વાચકના હૃદયમાં સીધી ઉતરી જાય છે. સાચું કહું તો, આ ડાયરી ક્યારેય પુસ્તક બનવા માટે લખાઈ જ નહોતી. એ તો પિતાજીનો એક એકાંત ખૂણો હતો – જ્યાં તેમણે જીવનની ક્ષણોને નિહાળી, પોતાની જાતને પ્રશ્નો પૂછ્યા, નાની નાની ખુશીઓને મન ભરીને માણી અને અંતરની શાંતિ શોધી. પરંતુ જ્યારે મેં આ પાનાંઓ વાંચ્યા, ત્યારે મને સમજાયું કે આ શબ્દો માત્ર અમારા પરિવારની મિલકત બનીને ન રહેવા જોઈએ. આ વિચારો તો દરેક એ વ્યક્તિ માટે છે જે જીવનમાં સાચા મૂલ્યો, આંતરિક શાંતિ કે આશાનું કિરણ શોધી રહ્યા છે. મેં પ્રયત્ન કર્યો છે કે પિતાજીનો અવાજ, તેમની શૈલી અને તેમની મૌલિકતા જળવાઈ રહે. વાચકોની સરળતા માટે માત્ર જરૂરી એવું થોડુંક જ સંપાદન કર્યું છે. આ પુસ્તક વાંચતી વખતે તમને માત્ર પિતાજી જ નહીં, પણ આખો એક યુગ અને તેમનું શાંત છતાં મક્કમ વ્યક્તિત્વ તમારી નજર સામે તરવરતું દેખાશે. આ પુસ્તક હવે માત્ર એમનું કે મારું નથી રહ્યું, પણ આપ સૌ માટે એક એવી ભેટ છે જે યાદ અપાવશે કે જીવેલા જીવનમાં અને કાગળ પર ઉતરેલા શબ્દોમાં કેટલી અદભૂત શક્તિ છુપાયેલી હોય છે. આદર અને સ્નેહ સાથે, ડૉ. જગદીશ જાદવભાઈ સખિયા સુરત, ૨૦૨૬



Reviews
There are no reviews yet