Description
આપણે પણ અર્જુન છીએં. આપણા પણ વિષાદ હોય છે. કોઈક વિષાદ લાંબાગાળાનો હોય છે તો કોઈક ટૂંકાગાળાનો. વ્યક્તિએ વ્યક્તિએ વિષાદનું સ્વરૂપ બદલાય છે એટલે કોઈ રેડીમેડ ઉકેલ કામ ન આવે. આવા કોઈ રેડીમેડ ઉકેલની આશા રાખ્યા વિના આપણે જ આપણા વિષાદને ઓળખવો પડશે, સમજવો પડશે અને સ્વીકારવો પણ પડશે. જો આપણે આપણા વિષાદને ઓળખશું,સમજશું અને સ્વીકારશું તો ઉકેલ આપોઆપ મળશે. આપણને એક પ્રશ્ન એ પણ થાય છે કે અર્જુનને પહેલેથી ખબર હતી કે પોતાને કોની કોની સાથે લડવાનું છે તો છેલ્લી ઘડીએ કેમ પાણીમાં બેસી ગયા? કેમ વિષાદથી ઘેરાઈ ગયા? આપણી હાલત પણ જીવનમાં આવી નથી થતી? અર્જુન જેમ આપણે પણ પહેલેથી બધું જાણતા હોવા છતાં જયારે પરિસ્થિતિનો સામનો કરવાનો આવે છે ત્યારે પાણીમાં બેસી જતાં હોઈએ છીએ. શ્રીકૃષ્ણ માત્ર સારા ઉપદેશક અને વેદ વ્યાસ માત્ર સારા ગ્રંથ રચનાકાર ન હતા પણ સારા મનોવૈજ્ઞાનિક પણ હતા. એ આપણી સામાન્ય વ્યક્તિની મનોવૃત્તિ જાણતા હતા. એટલે જ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જે વસ્તુ ભારપૂર્વક કહેવાની છે તેને વારંવાર કહી છે,પુનરાવર્તન દોષ સ્વીકારીને પણ કહી છે જેથી આપણી બુદ્ધિ સ્વીકારી લે,આપણું મન એને અપનાવી લે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે સાચી ભગવદ્ ગીતા તો બીજા અધ્યાયથી શરૂ થાય છે. પરંતુ આખી ભગવદ્ ગીતા સમજવા માટે પહેલા અધ્યાયમાં વર્ણવેલો અર્જુનનો વિષાદ સમજવો ખૂબ જ જરૂરી છે. જો આપણે અર્જુનનો વિષાદ નહીં સમજી શકીએ તો ભગવદ્ ગીતા નહીં સમજી શકીએ. આ વસ્તુ આપણને દરેકને લાગુ પડે છે. જો આપણે પણ આપણા વિષાદને સમજશું તો જ એનો યોગ્ય ઉકેલ મળશે. ટૂંકમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અધ્યયન કરતી વખતે સતત આપણી જાતને નજર સમક્ષ રાખશું તો સમજવી વધુ સરળ પડશે અને આપણી સમસ્યાઓનો ઉકેલ પણ એમાંથી આસાનીથી શોધી શકાશે. ભગવદ્ ગીતામાં એ ઠસાવવાનો સતત પ્રયત્ન કર્યો છે કે શરીર નાશવંત છે. આપણે સામાન્ય માનવીઓ પણ આ વસ્તુ સમજીને સ્વીકારી શકશું તો જીવનનાં દરેક સુખ માણી શકશું અને દરેક દુઃખ સહન પણ કરી શકશું. અસ્તુ.



Reviews
There are no reviews yet