Description
પોતાની ભાગવત કથામાં પાંચ-પાંચ લાખ જેટલા ભક્તોની મેદની ઉભી કરવાની તાકાત ધરાવનાર આ પરમ પૂજ્ય ભાગવત કથાકારે ક્યારેય કથાનો એક પણ રૂપિયો યજમાન પાસેથી લીધો નથી કે નથી ક્યારેય ભંડોળ એકત્ર કર્યું. ન તો તેમની પાસે એક પણ બેન્ક એકાઉન્ટ હતું કે ન તો એમના નામનું કોઈ ટ્રસ્ટ હતું. ભાગવત કથામાં આવતું તમામ ભંડોળ તેઓ પરોપકારના કાર્યો પાછળ ખર્ચી નાખતા હતા. જેમના મૃત્યુ સમયે માત્ર વધ્યું હતું તો તે હતું માત્ર અને માત્ર પૂજાની સામગ્રી અને એક પહેરણ. માત્ર દસ વર્ષની ઉંમરે ઘર ત્યાગ કરી દક્ષિણના કાશી ગણાતા એવા પંઢરપુરમાં ધર્મ અને શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો, ન્યાય અને વેદાંતના અભ્યાસ માટે કાશી રહ્યા હતા. તે સમયે ભીખ માગવા માટે ભિક્ષાપાત્ર પણ ન હતું. પોતે લગ્ન કર્યા હોવા છતાં પણ આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. આ કથાકારે આજીવન કોઈને શિષ્ય બનાવ્યા ન હતા કે ન તો કોઈના ગુરુ થયા હતા. કોઈ દિવસ ભક્તોને પોતાનો ચરણસ્પર્શ કરવા દીધો નથી, તેમ જ ક્યારેય પોતાનો ફોટો પ્રસિદ્ધ થાય અથવા તો પોતાની કથાનો ઓડિયો પ્રસિદ્ધ થાય એવું કરવા દીધું નથી. આ પરમ ભાગવત કથાકારે ક્યારેય સિવેલા કપડા પહેર્યા નથી કે નથી પગમાં કોઈ દિવસ પગરખા પહેર્યા, વ્યાસપીઠ પર સતત નવ-નવ કલાક સુધી એક જ આસને બેસી કથા કરનાર પરમ ભાગવત કથાકારને લાખો લાખો વંદન. . . . . . . પોતાની ભાગવત કથા થકી લાખોની જન મેદનીને ભક્તિ ભાવમાં તરબોળ કરનાર કળિયુગના સાક્ષાત શુકદેવજી મુનિ, જેમનો ભક્તિભાવ ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતા સમાન હતો એવા ફક્કડ ગિરધારી પૂજ્ય ડોંગરેજી મહારાજ ની રત્નકણિકાઓ પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
Reviews
There are no reviews yet.