Description
શબ્દો ક્યારેય નિષ્પ્રાણ નથી હોતા એ નાનપણથી ખબર હતી.
છ દાયકાની જીવનયાત્રા દરમ્યાન ઘણી વખત એવું લાગ્યું કે આત્માના પ્રાણ ટકાવી રાખવા માટે સદ્ વિચારનો અમલ થવો જ જોઈએ. એ ફક્ત ધાર્મિક પુસ્તકમાં જ ના ચાલે.
પછી શબ્દોને જીવંત કરવા અને એમાં પ્રાણ પૂરવા માટેના રસ્તા શોધ્યા. વાર્તા એક એવું માધ્યમ જણાયું કે જેના દ્વારા આ કાર્ય સરળ રીતે અને સફળતાથી કરી શકાય. જીવનકાળ દરમ્યાન બનેલા પ્રસંગોની ખોટ નહોતી.
મા સરસ્વતીની કૃપાથી કલ્પન અને અલંકારિક સાહિત્યનો સુપેરો સાથ મળતો ગયો અને વાર્તાઓ સર્જાતી રહી. કૌટુંબિક દરજ્જાને કારણે લેખન ઉપર મહાન સાહિત્યકારોની માવજત પ્રાપ્ત થઇ અને ગદ્ય પદ્યનું સ્તર સુધરતું ગયું.
એક વાત હંમેશા અગ્રીમ રહી કે વાર્તા માત્ર એક પ્રસંગ કે એક સાહિત્ય સભર રચના જ નથી હોતી જેમાં અલંકારિક ભાષા હોય, થોડા સંવાદો હોય, સ્વપ્નશ્રુષ્ટિ હોય અને ક્યાંક વચારોના વમળ હોય જે વાંચીને વાચક એનો સમય પસાર કરી શકે એના કરતા કાંઈક વિશેષ હોય. વાચક એને વાંચીને થોડું વિચારે, થોડું ચિંતન / મનન કરે અને ક્યાંક પોતાને વાર્તામાંના એક પાત્રમાં જોઈ શકે એવું સર્જન કરવાનો આનંદ આવવા લાગ્યો.
પ્રસ્તુત વાર્તા સંગ્રહમાં આપે નોંધ્યું હશે કે જીવનમાં આવતા અનેક પડાવો જેવાકે કૌટુંબિક, વ્યવસાયિક, સામાજિક, રાજકીય અને એવા અનેક ઠેકાણે ઘટતી ઘટનાઓ એના સ્વાભાવિક સ્વરૂપે કલ્પનાની પાંખે બેસાડીને આપના દ્વારે આવી છે. દરેકમાં કશુંક તો એવું છે કે જેને થોડો સમય આપી શકાય, થોડું ચિંતન કરી શકાય અને એમાં સમાયેલા સંદેશને યોગ્ય રીતે અપનાવીને જીવનમાં વણી શકાય જેથી આખરે એક સારું જીવન જીવ્યાનો સંતોષ રહે.
આશા છે મારા આ પ્રયત્નમાં હું સફળ રહી શક્યો છું. – ચિરાગ
Reviews
There are no reviews yet.