Description
સંધિકાળ. બહુ જરૂરી હોય છે. જીવનમાં પણ અને સંબંધોમાં પણ. હું સંધિકાળને ‘નો મેન્સ લેન્ડ‘ ગણું છું અને બે સરહદોનાં અસ્તિત્વને ટકાવી રાખવા ‘નો મેન્સ લેન્ડ’ જરૂરી હોય છે. નમ્રતાબેન દેસાઇનું પુસ્તક સંધિકાળ આપણે જાણતા-અજાણતા રચેલી આવી સરહદોને ટકાવી રાખવા આપણા માટે એક ‘નો મેન્સ લેન્ડ‘ સર્જી આપે છે. નમ્રતાબેનને હું ઘણાં વર્ષોથી ઓળખું છે. વ્યક્તિ તરીકે એ જેટલા નમ્ર છે, લેખક તરીકે એ વધુ નમ્ર છે. એ લખે છે કારણ કે એમને લખીને ખાલી થઇ જવું છે અને એ લખે છે કારણ કે એમને લખીને ભરાઇ જવું છે. એમની પાસે લાગણીઓનો દરિયો છે, એ કલમને આ દરિયામાં બોળે અને પછી લખે. કદાચ એટલે એમનાં લેખનમાં લાગણીઓનાં પડીકામાં બંધાઇને આવતી લાગણીઓ છલકાતી રહે છે. એક દિવસ મેં એમને પૂછેલું, ‘તમે કેમ લખો છો?’ અને એમણે કહેલું, ‘બસ, મારા માટે !’ એમનાં આ જવાબે વિશ્વાસ અપાવેલો કે નમ્રતાબેનની હથેળીઓ વચ્ચે શબ્દો સલામત છે. લખવું એ લેખક માટે સાધના હોય એનાં કરતા લખવું એ લેખક માટે જરૂરિયાત હોય-એ પરિસ્થિતિ મને વધારે ઉત્તમ લાગી છે. સાધના નિજાનંદ માટે છે-પણ જરૂરિયાત ફરજીયાત છે. જરૂરિયાત પાસે એક તીક્ષ્ણતા છે, જે તમારી કલમને છોલતી રહે છે. નમ્રતાબેનની કલમ લાગણીઓની તીક્ષ્ણતાથી છોલાતી રહી છે, ઘસાતી રહી છે અને પગભર થઇ છે. સંધિકાળ-એ આપણી આજુબાજુનાં વ્યક્તિઓ, આપણી આજુબાજુની ઘટનાઓને જોવાનો એક મેચ્યોર્ડ લેન્સ છે અને નમ્રતાબેને એ લેન્સનું ઝુમિંગ આપણાં પ્રમાણે સેટ કરવાની આપણને છૂટ પણ આપી છે. મને વિશ્વાસ છે કે-સંધિકાળ જીવનનાં, સંબંધોનાં સંધિકાળને જોવાની આંખોને થોડી મેચ્યોર્ડ કરી આપશે ! નમ્રતાબેનનાં સંધિકાળને આવકાર !! -એષા દાદાવાળા
Reviews
There are no reviews yet.