Description
આશાસ્પદ યુવા લેખક શ્રી મેહુલ વઢવાણા લિખિત ‘અંતિમ ક્ષણો’ એ સુંદર પારિવારીક લઘુ નવલ છે. સાહિત્ય સાથે અનોખો ઘરોબો ધરાવતા મેહુલભાઈ પ્રતિલિપિ પર આ અગાઉ પણ ઘણી વાર્તાઓ લખી ચૂક્યા છે અને ખૂબ પ્રશસ્તિ પણ પામ્યા છે. પ્રસ્તુત વાર્તામાં હીરાલાલના જીવનમાં આવતા સુખદ અને દુઃખદ પ્રસંગો નું ભાવવાહી રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. વર્તમાન જીવન શૈલીમાં જ્યાં પ્રેમ લાગણી અને કુટુંબને જોડી રાખતી એકસૂત્રતા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે ત્યારે આ વાર્તાનું હાર્દ જ એવું છે કે વિખરાતો પરિવાર એક થઈ જાય. હીરાલાલના શારીરિક અને માનસિક સંઘર્ષો અહીં સુપુરે અભિવ્યક્ત થયા છે અને સાથે જ અન્ય પાત્રોના મનોભાવો પણ એટલા સરસ રીતે આલેખાયા છે કે જાણે આ કોઈ કલ્પિત વાર્તા નથી પણ કોઈ પરિવારનું જીવન વૃતાંત હો. સમગ્ર વાર્તાનો મુખ્ય સૂત્રધાર સમય છે. બી. આર. ચોપરાની મહાભારતની તર્જ તાજી થઈ જાય છે અને અધ્યાય સ્વરૂપે આલેખાયેલા પ્રકરણ એક અલગ ભાત પાડે છે. સામાન્ય રીતે નવલકથાની મૂળ શૈલીથી અલગ પડતી આ કથા એકદમ નાટ્યાત્મક રીતે લખાયેલી છે. એક રીતે એમ કહી શકાય કે નાટકની શૈલીમાં આ લઘુનવલ લખવામાં આવી છે અને રસપ્રદ વાત એ છે કે તદ્દન અલગ પ્રકારથી લખાયેલી હોવા છતાં વાર્તા ક્યાંય પકડ નથી ગુમાવતી. એક પ્રકરણ વાંચો એટલે બીજું પ્રકરણ વાંચવાની ઈચ્છા રોકી નથી શકાતી અને એથી એમ ક્હી શકાય કે લેખક વાંચકને વાર્તા સાથે બાંધી રાખવામાં અહીં સફળ રહ્યા છે. ‘અંતિમ ક્ષણો’ લઘુનવલ સાથે તેમનું સાહિત્યજગતમાં વિધિવત રીતે આગમન થઈ રહ્યું છે ત્યારે ભવિષ્યમાં તેઓ ઉત્તમોત્તમ સાહિત્ય આપીને ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવશે એવી આશા અસ્થાને નથી. એમનાં સાહિત્યિક જીવનમાં વ્યાપી રહેલો આ ઝગમગાટ દિન પ્રતિ દિન વધતો રહે અને તેઓ સફળતાના અવનવા સોપાન સર કરે તેવી શુભેચ્છાઓ. શ્રી ‘અગન’ રાજ્યગુરુ અમરેલી
Reviews
There are no reviews yet.