Description
‘બાળકોને પ્રકૃતિ તરફ દોરતી વાર્તાઓ………. આરતીબેનનો પ્રથમ બાળવાર્તા સંગ્રહ “ દાદાજીનો મથુરીયો “ બાળકોને ગમી જાય એવો છે. વાર્તાઓ ટૂંકી અને નાના – મોટા સૌને આકર્ષે તેવી છે. તેઓ વ્યવસાયે શિક્ષક છે. તેમને બાળકો પ્રિય છે. બાળકો સાથે કામ કરતાં કરતાં બાળકને ગમે તેવા પ્રયોગો કરતાં રહે છે. તેના ભાગરૂપે આ વાર્તા સંગ્રહનું નિર્માણ કર્યુ છે. આ વાર્તા સંગ્રહમાં કુલ 14 વાર્તાઓ સમાવિષ્ટ છે. મોટાભાગની વાર્તાઓમાં તેમનો પ્રકૃતિ પ્રેમ દેખાઇ આવે છે. બાળકોને પ્રિય એવા પશુ- પંખીઓ, વૃક્ષો, રંગબેરંગી સ્વપ્નની વાર્તા ગમી જાય તેવી છે. આજના સમયમાં જ્યારે મૂલ્ય શિક્ષણની તાતી જરૂરિયાત છે ત્યારે આવી વાર્તાઓ થકી બાળકોમાં આનંદ સહ સંસ્કાર કેળવાય એ આ વાર્તા સંગ્રહનો મુખ્ય હેતુ જણાઇ આવે છે. વાર્તા સંગ્રહના શીર્ષક ‘દાદાજીનો મથુરીયો’ એ વાર્તામાં દાદા- પૌત્રના લાગણી સભર પ્રેમની વાત છે. તો ‘સાધુની મહાનતા’ વાર્તામાં સાધુનું મહાત્મ્ય દર્શાવ્યું છે. જેના થકી બાળકોમાં આદરની ભાવના કેળવાય છે. બાળકોને તેમની સાથે એકાત્મતા ત્યારે જ લાગે જ્યારે કોઇ તેની સાથે સહજતાથી અને સરળતાથી વાતચીત કરે. આ વાતોને પશુ- પંખી રૂપી પ્રતિકો થકી વાર્તામાં સુંદર રીતે રજુ કરવામાં આવી છે. ‘શોખીન ખિસકોલી’ની વાર્તા વાંચીને એમ થાય કે કોઇ વસ્તુના શોખીન ફક્ત માણસ જ ના હોય. પ્રાણીઓ પણ હોય. પ્રાણીઓ જ્યારે બોલે ત્યારે કેટલું કૌતુક લાગે. બાળકની આંખોમાં આવું કૌતુક જોવાનો આનંદ તો અનેરો હોય છે. આમ, અલગ અલગ વિષય રૂપી પુષ્પોને પસંદ કરી વાર્તા સંગ્રહ રૂપી ફૂલદાની બાળકો માટે ખુશીનો અવસર બની રહેશે. બાળકોની સાથે સાથે મોટેરાઓને પણ ફરી બાળપણ માણવાનો અવસર મળશે એવી આશા છે. આરતીબેન દ્વારા આવા જ પુસ્તકો ઉત્તરોતર મળતા રહે એવી અપેક્ષા સહ શુભેચ્છાઓ. – ધૃવી અમૃતિયા
Reviews
There are no reviews yet.