Description
ઇતિહાસને પ્રત્યક્ષ કરતી નાટ્યકૃતિ : ‘પડકારો રણચંડીનો’ ભાઈશ્રી મહેશ ધીમરનું ગુજરાતી બાળસાહિત્ય પર આગવું ઋણ છે. એ બાળનાટકો લખે છે. ગુજરાતી બાળસાહિત્યમાં સૌથી વધુ બાળવાર્તાઓ અને બાળગીતો લખાય છે. ચરિત્રાત્મક લેખન પણ ઠીક ઠીક થાય છે. બાળનાટકનું લેખન પ્રમાણમાં ઓછું છે. માટે જેઓ પ્રમુખપણે બાળનાટક લખતાં હોય એ ધન્યવાદને પાત્ર છે. ભજવણી કરાવતાં હોય તે વિશેષ ધન્યવાદને પાત્ર છે. આવા આજના અને ગઈ કાલના બાળનાટ્યકારોમાં અગત્યનું નામ છે મહેશ ધીમર. પોતાનું ઉપનામ ‘જ્યોત’ રાખનાર મહેશભાઈએ બાળનાટ્યનાં પાંચેક પુસ્તકો ૨૦૨૧ સુધીમાં પ્રગટ કર્યા છે. અને એમાંથી ઘણાખરાંને રાજ્યની સાહિત્ય અકાદમી સહિત અનેક સંસ્થાઓના પુરસ્કાર મળ્યા છે એ નાનીસૂની વાત નથી. હવે ‘પડકારો રણચંડીનો’ નામથી દક્ષિણ ભારતના કિત્તુર રાજ્યની લડાયક સ્વાભિમાની રાણી ચેન્નમ્માની કથા લઈને એ આવ્યા છે. અમે ‘અમૃતની પરબ’ પુસ્તકમાં જેને સ્વાતંત્ર્ય માટે લડનારી પ્રથમ ભારતીય વીરાંગના કહી છે. અને જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કરતાંય ત્રીસ વર્ષ અગાઉ અંગ્રેજો સામે જંગે મેદાનમાં ઊતરી હતી તે રાણી ચેન્નમ્માને ગુજરાતમાં ઓછા લોકો જાણે છે. એ વીરાંગનાને નાટ્યરૂપે જીવંત અને પ્રત્યક્ષ કરી આપવા બદલ આપણે સૌ મહેશભાઈના આભારી છીએ. દાયકાઓના બાળનાટક લેખનના અને ભજવણીના અનુભવ પછી મહેશ ધીમરે રચેલ આ બાળનાટકને હું ગુજરાતનાં કરોડો બાળકો વતી આવકારું છું. વિશ્વકક્ષાના બાળસાહિત્યકાર યશવંત મહેતા- અમદાવાદ
Reviews
There are no reviews yet.