Description
ઉપનિષદ્ આચમન: – શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓથી ધમધમતી અમારી શાળા નારાયણ વિદ્યાવિહાર સરસ્વતીની પરમ કૃપા પાત્ર છે. શાળામાં ચાલી રહેલો એક વિશેષ યજ્ઞ પુસ્તક સંવાદ લગભગ 225 આહુતિ આપી ચુક્યો છે. અને એમાંય રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે મારી શાળાના સારસ્વત શિક્ષક મિત્રો પુરાણો ઉપર વાત કરી રહ્યાં છે ત્યારે આ ઉપનિષદો વિશેનો ટૂંકસાર આપવાની મને ઈચ્છા. હા ચોક્કસ.. આ ઉપનિષદ – ઋષિ વાણીને હું યોગ્ય રીતે ન્યાય નહીં આપી શકું. તેમ છતાં એક નમ્ર પ્રયાસ કરું છું. આ લખતી વખતે મા સરસ્વતીના આશીર્વાદ સાથે મા નર્મદાની પ્રેરણા અને મારા સદ્દગત પિતાશ્રીના શુભાશિષ હશે. ઉપનિષદની વાત કરીએ ત્યારે કોઈ અશુદ્ધિ ન ચલાવી લેવાય. આ લખીને હું કોઈ વિદ્વાન છું એમ માનતો નથી, પણ કોઈ ઈશ્વરીય શક્તિએ મને નિમિત્ત બનાવ્યો હશે. મને શ્રદ્ધા છે કે સમાજમાં નાના મોટા સૌને આ ઉપનિષદોની સમજ માટે મારો આ નમ્ર પ્રયાસ ઉપયોગી થશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. મારી સમજ પ્રમાણે ઉપનિષદોનો સામાન્ય પરિચય સરળ ભાષામાં આપવાનો પ્રયાસ રહેશે. ભારતીય તત્વજ્ઞાનમાં ઉપનિષદોનું એક આગવું સ્થાન છે. જેમાં અનેક રહસ્યોનો ઉકેલ છે. જે વૈજ્ઞાનિક રીતે ઉત્કૃષ્ટ આપેલો છે. અનંતકોટીમાં વિસ્તરેલું મહાવિશ્વ ગતિશીલ છે. – એના નિયંતા કોણ? – જડચેતન સાથે સંબંધ શું? જેવા અનેક રહસ્યો, એની ચર્ચાઓ, વિવિધ આધ્યાત્મિક પ્રશ્નોના ઉકેલ ઉપનિષદોમાં જોવા મળે છે. તેમાં ઘણાં બધા વિષયો આવરી લેવામાં આવ્યા છે. ઉપનિષદમાં રહેલું જ્ઞાન આપણી ભારતીય સંસ્કૃતિમાં જૂનામાં જૂનું હોવા છતાં હર ક્ષણ નવીન છે. વેદોનું ઉત્તમ રહસ્ય આમાં વણાયેલું છે. એટલે કે વેદોનો સારતત્વ ઉપનિષદોમાં છે. તે વેદોનો વિભાગ જ કહેવાય. જેમાં વેદનાં સંહિતા, બ્રાહ્મણ અને આરણ્યક એવા ત્રણ વિભાગ છે. ઉપનિષદમાં રહેલું જ્ઞાન સર્વનુ મંગલ કરનાર છે. પોતપોતાની સમજ પ્રમાણે સર્વે આમાંથી પોતાને ઉપયોગી જ્ઞાન મેળવી શકે છે. આપણે સંકોચ વગર કહી શકીએ કે ભારતની જ્ઞાન ગંગાનું ઉદ્દભવ સ્થાન વેદો અને ઉપનિષદો છે. અને વેદો સમજવા હોય તો ઉપનિષદો સમજવા જરૂરી છે. – ડૉ. મહેશ ઠાકર



Reviews
There are no reviews yet