Description
તટસ્થ, નિર્મમતા એ રાગ પ્રેમી સમાજ માટે કૂતુહલનો અને મોટા ભાગે અણગમાનો વિષય રહ્યો છે. સતત રાગમાં ફસાયેલા અને મોટાભાગે તેને માણતા-સમાજને કોઇ તટસ્થ વ્યક્તિ જોવા મળે તો તે તેની ચિંતાનો મુદ્દો રહે છે. તે પણ બધા જેમ, કેમ રાગી અને સામાન્ય વ્યક્તિ બને તેની ફિકર સમાજ કરતો હોય છે. સાહિત્યમાં પણ આ નિર્મમતા રસનો મુદ્દો રહ્યો છે. આલ્બેર કામુની “આઉટસાઇડર” કે ગુજરાતીમાં ધીરુબહેન પટેલની “આગંતુક” કે ચન્દ્રકાન્ત બક્ષીની “આકાર” નવલકથાઓ પણ આ જ વિષય પર જ લખાઇ છે. એ જ વિષયને લઇને રાકેશ પટેલે આ “ઝૂલતા મિનારા” નવલકથા લખી છે. તેનો નાયક આશુતોષ પણ તીવ્ર તટસ્થ છે. સમગ્ર કથામાં તે તેવો જ રહે છે. પોતા સાથે પણ અને પત્ની તથા અન્યો સાથે પણ ! પરિણામે, તેના સાથે રહેનારા હંમેશા ગૂંચવણમાં રહે છે. લેખકે આવા શુષ્ક લાગતા વિષયમાં સરસ નવલ વણી છે. દરેક પ્રસંગોને “ધક્કો મારનારા” બનાવાયા છે. અને છેલ્લે જ્યારે તેની પત્ની આરતી ફોનમાં કહે છે કે ‘હવે હું નહીં આવું’ ત્યારે નાયકને ધક્કો લાગે છે કે નહીં તે બાબતે લેખક ચૂપ રહ્યાં છે. પણ વાચક કલ્પના કરી લે છે કે મિનારો જબરો ઝૂલ્યો હશે. નાના-મોટા સાદા પ્રસંગોને ઊભા કરી તે બાબતે નાયકના મંથનના માધ્યમથી લેખક વાચકને દરેક બાબત વિશે વિચારવાની ફરજ પાડે છે. ઘટનાઓ અને સંબંધો આ પૃથ્થકરણથી સમજવા-સમજાવવાનો તેમનો સુંદર પ્રયાસ રહ્યો છે. રાકેશ પટેલ પાસે ચિંતન શક્તિ છે. તેનો ઉપયોગ કરી આવા જ કોઇ મહત્વના મુદ્દાને લઇ કથાઓ ભવિષ્યમાં રચશે તો વાચકોને વિચારતા કરવાનું ઉત્તમ કામ કરશે. શિક્ષક છે એટલે અવશ્ય કરી શકશે. – હરેશ ધોળકિયા
Reviews
There are no reviews yet.