Description
જયારે પણ નવલકથામાં પાત્રો રોજીંદા જીવનથી પ્રેરિત હોય એ નવલકથા લાંબા સમય સુધી યાદ રહે છે. એની અસર દિલોદિમાગ ઉપર અંકિત થઈ જાય છે. આ “એક હતી કાનન…” નવલકથામાં લેખકે કરેલાં પાત્રાલેખન પણ આવી જ અસર ઉપજાવે છે. પ્રસંગોનું પણ આવું જ છે. એકબીજા સાથે જોડાયેલા અને વાચકને કથાવસ્તુ સાથે જકડી રાખતા પ્રસંગો નવલકથાને યથોચિત ન્યાય આપે છે. પ્રસંગોનું વર્ગીકરણ પણ વાંચકની રુચિને એક જ બેઠકમાં નવલકથા વાંચીને પૂર્ણ કરવામાં કારણભૂત બને છે. અહીં “એક હતી કાનન…” નવલકથા વાંચીને આ અનુભવ ફળીભૂત થાય છે. કોઈપણ નવલકથામાં સંવાદોનું સ્થાન એના આત્મા જેવું હોય છે. સરળ પણ ધારદાર લખાયેલા સંવાદ વાચકની સ્મૃતિમાં યાદગીરીરૂપે સચવાયેલા રહે છે. નવલકથાના કથાવસ્તુ સાથે લેખકની પોતાની કોઈ સંવેદના ડોકાતી હોય છે અને એ સંવાદોના માધ્યમથી પ્રગટ થતી હોય છે. કદાચ એકવાર વાંચનથી એ ખ્યાલ ન આવે પણ વારંવાર વાંચન અને મનનથી એ નવલકથાના મૂળ હાર્દ સુધી પહોંચી શકાય છે. “એક હતી કાનન…” માં એ હાર્દ સુધી પહોંચવાની વાચકની મથામણ ઝડપથી સંતોષાય એવા ધારદાર સંવાદોનો સુલભ સમન્વય દેખાય છે. આ ઉપરાંત અલગ અલગ સંવેદનાઓનું નિરૂપણ પણ આ નવલકથામાં સચોટ રીતે થયેલું છે. માતૃત્વ, ત્યાગ, ક્રોધ,પ્રેમ,આશા-નિરાશા એ બધા જ ભાવો નવલકથાના પાત્રોમાં ક્યારેક ને ક્યારેક જોવા મળે છે. “એક હતી કાનન…” વાંચકને જકડી રાખતી અને વારંવાર વાંચવા પ્રેરિત કરે એવી કૃતિ છે. ગુજરાતી સાહિત્યની સેવા કરતી આ કૃતિ વાંચકના હૃદયમાં સ્થાન પામે એવી અપેક્ષા સાથે લેખકને ખૂબ ખૂબ અભિનંદન. – ભસ્માંગ માંકડ “સમ્રાટ”



Reviews
There are no reviews yet