Description
શંખનાદ – એક નામ નહીં, એક સંકલ્પ.—-> શરૂઆતમાં તે માત્ર એક નામ હતું, પરંતુ ધીમે ધીમે તેના અર્થો ખુલતા ગયા અને સમજાયું કે આ નામ જાણે અમારી યાત્રા માટે જ સર્જાયું હોય ! પરંપરાગત માન્યતા અનુસાર શંખ શુભતા, પવિત્રતા અને નવી શરૂઆતનું પ્રતીક છે. મંદિરમાં આરતી પહેલાં કે કોઈ શુભ કાર્યના આરંભે શંખનાદ કરવામાં આવે છે. માન્યતા છે કે તેનો નાદ આસપાસની નકારાત્મકતાને દૂર કરીને સકારાત્મક ઊર્જાનું સર્જન કરે છે અને મનને એકાગ્ર બનાવે છે. નાદ એટલે ધ્વનિ, સ્પંદન અને સંગીતનું મૂળ તત્ત્વ. આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. “નાદ બ્રહ્મ”, એટલે કે સમગ્ર સૃષ્ટિનું મૂળ સ્વરૂપ નાદ છે. સંગીત માત્ર કાનથી સાંભળવાની વસ્તુ નથી; તે મન, શરીર અને આત્માને સ્પર્શતી ઉપચારાત્મક શક્તિ છે. સંગીત થેરાપીમાં પણ આ જ ભાવ રહેલો છે. વ્યક્તિની જરૂરિયાત, તેની શારીરિક અને માનસિક સ્થિતિ તેમજ ભાવનાત્મક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંગીત દ્વારા એવી ઉપચારાત્મક પ્રક્રિયા રચવામાં આવે છે, જે મનને શાંતિ, શરીરને સહયોગ અને આત્માને સ્પર્શ આપી શકે. આ રીતે “શંખનાદ” માત્ર એક ડિજિટલ પ્લેટફોર્મનું નામ નથી રહ્યું. તે એક સંકલ્પ બની ગયું. સંગીતના પવિત્ર નાદ દ્વારા જીવનમાં આશા, જાગૃતિ અને ઉપચારનો પ્રકાશ ફેલાવવાનો સંકલ્પ. આજે જ્યારે વિશેષ જરૂરિયાતો ધરાવતાં બાળકો, પાર્કિન્સન્સથી પ્રભાવિત વ્યક્તિઓ અને વિવિધ ઉંમરના લોકો સાથે સંગીત થેરાપીની યાત્રા ચાલુ છે, ત્યારે “શંખનાદ” અમને સતત યાદ અપાવે છે કે , શંખનાદ માત્ર એક નામ નથી… તે મારી સાધના છે, મારી સેવા છે અને મારા હૃદયનો અવાજ છે.







Reviews
There are no reviews yet