Description
સરગવાની વિવિધ પેદાશોનો વપરાશ આજકાલ સવિશેષ થવા લાગ્યો છે. મીઠા સરગવાનો દરેક ભાગ આહાર અને ઔષધિ તરીકે વિશેષ ઉપયોગી પુરવાર થયેલ છે, જેમકે – મૂળ, છાલ, પાન, પુષ્પો, ફળ (કુમળી શિંગો), બીજ, ગુંદર, અને બીજનું તેલ વગેરે. મીઠા સરગવાનાં પાનમાં વિવિધ ખનીજતત્ત્વો અને વિટામિન્સ ભરપૂર હોવાથી સરગવાનાં ભજિયાં, ખાખરા, સૂપ, કઢી વગરે બનાવી શકાય. મીઠા સરગવાનાં બીજ પાણીનું શુદ્ધિકરણ કરવા માટે પણ વપરાય છે. મીઠો સરગવો અનેકવિધ રીતે ગુણકારી છે, પરંતુ તાસીરે ઉષ્ણ હોવાથી પિત્ત પ્રકૃતિ ધરાવનારે ઓછું સેવન કરવું હિતાવહ છે. મીઠા સરગવાની અનેક વેરાયટીઓ વિકાસ પામી છે, જેમાં વેરાયટી મુજબ શિંગની જાડાઇ અને લંબાઇ અલગ અલગ જોવા મળે છે. કડવો સરગવો બહુ ઓછો જોવા મળતો હોવાથી તેનું જતન કરવાની જરૂર છે. કડવો સરગવો ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. ડૉ. પ્રવીણભાઇ મકવાણા સાહેબ વ્યવસાયે શિક્ષક – આચાર્ય હોઇ તેઓનું પ્રદાન સામાજિક ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ બની રહે એ તદ્દન સ્વાભાવિક છે. તેઓએ સરગવા જેવી વિજ્ઞાન વિષયક પુસ્તિકાના લેખન-સંકલન માટે જે પરિશ્રમ ઉઠાવ્યો છે તે વિશિષ્ટ જ નહિ, વિરલ કામ છે. મને વિશ્વાસ છે કે આ પુસ્તિકા આપણા સમાજના લોકોને ખૂબ ઉપયોગી થશે. લોકો આરોગ્યના આધારસ્તંભ એવા આ સરગવાની અગત્યતા સમજીને તેનો વધુને વધુ ઉપયોગ કરતાં થશે ત્યારે જ આ પુસ્તિકાની સફળતા સાબિત થશે. આ ‘સરગવો એ જ સંજીવની’ પુસ્તિકાની સફળતા માટે ડૉ. પ્રવીણભાઇ મકવાણા સાહેબને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. – ડૉ. કે. ડી. મિતલિયા
Reviews
There are no reviews yet.