Description
વૈશિષ્ટયાન્વેષી સંશોધક : કેતન કાનપરિયા અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના નાના એવા સલડી ગામે ૨૮/૧૨/૧૯૮૪ ના રોજ જન્મેલા કેતન કાનપરિયા એક સારા કવિ, અધ્યાપક, ગાયક અને ઉદ્દઘોષક છે. ઘરની સામાન્ય પરિસ્થિતિ અને વિષમ સંજોગોની ભઠ્ઠીમાં તપીને બહાર નીકળેલા અનોખા અભ્યાસુ છે. ગુજરાતીમાં અનુસ્નાતક કક્ષાએ પણ ‘Gold’ સાબિત થઈને ‘બ્રોકર સુવર્ણચંદ્રક’ મેળવનાર કેતન પછી કે. કા. શાસ્ત્રી પારિતોષિક અને ઉપેન્દ્ર પંડ્યા પારિતોષિકથી પોંખાય છે. GPSC, GSET તેમજ NET (JRF) જેવી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થનાર કેતન ફેલોશિપનો લાભ લેવાની જગ્યાએ વર્ગખંડ પસંદ કરે છે. હાલ લીલિયાની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં ગુજરાતીના વિભાગાધ્યક્ષ તરીકે પ્રવૃત્ત કેતન પોતાનાં Ph.D. ના સંશોધનના ભાગ રૂપે ‘ગુજરાતી ગઝલમાં ભારતીયતા’ પર સંશોધન કરે છે અને એની ફ્લશ્રુતિ રૂપે ‘ભારતીયતા : એક વિશિષ્ટ ભાવધારા’ નામે આ ગ્રંથ લઈને આવ્યા છે. કેતન સામે પડકાર હતો ‘વિદેશી’ સાહિત્યસ્વરૂપને પહેલાં ગુજરાતી અને પછી ભારતીય દ્રષ્ટિકોણથી જોવાનો તથા તેની વસ્તુમાં અને રીતિમાં રહેલી ભારતીયતાને ખોળી કાઢવાનો. કેતન ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય, ઉત્સવ, સંસ્કાર, ચિંતનધારા, પરંપરા, પ્રતીકો ઈત્યાદિના સંદર્ભે ગહન અભ્યાસ કરે છે. ભારતીયતા કઈ રીતે જનસમુહના વર્તનમાં અને અંતે ગઝલસર્જનમાં ડોકાય છે તે માટે કેતન સાડા સાત વર્ષના દીર્ઘ અભ્યાસ બાદનું આ નવનીત લઈને આવ્યા છે. ચાલો………. આપણે સૌ એક વસ્તુનિષ્ઠ સંશોધકની આ વિશિષ્ટ ભાવધારાને પોંખીએ. -સ્નેહી પરમાર, બગસરા
Reviews
There are no reviews yet.