Description
માત્ર થોડી વાહવાહી મેળવવા માટે મારા પુસ્તકની પ્રસ્તાવના કોઈ નામી વ્યક્તિ પાસે લખાવવા કરતા હું એવું માનું છું કે કોઈ કવિને વાંચ્યા પછી તેનો વાચક ગણ તે કવિ વિષે જે વિચારો બાંધે તે જ સાચી પ્રસ્તાવના હોય છે. મારા મતે નામી વ્યક્તિઓની પ્રસ્તાવના કરતા વાંચકોના હૃદયમાં સ્થાન મેળવવું વધુ જરૂરી છે. તેથી મને એવો વિચાર આવ્યો કે પ્રસ્તાવનાને “અંતરનાદ”નું નામ આપી હું પોતે જ લખું અને નવી શરૂઆત કરું. મિત્રો મેં કોઈ ઉચ્ચ અભ્યાસ કર્યો નથી, વ્યાકરણનું જ્ઞાન પણ ઓછું છે, હજુ તો સાહિત્યના ક્ષેત્રમાં પાપા પગલી ભરું છું. નામી અનામી કવિઓને વાંચીને ઘણુ બધું શીખ્યો છું, ઘણું બધું શીખવાનું હજુ બાકી છે, છતાં પણ મને આવો વિચાર આવ્યો તેને મારું અભિમાન નહીં પણ સ્વાભિમાન ગણવા વિનંતી. હું ભણ્યો છું ઓછું પણ ગણ્યો છું વધારે. જિંદગીના ગણિતમાં જ્યારે હિસાબ માંડતા જમા પાસા કરતાં ઉધાર પાસું વધી જાય ત્યારે મનુષ્યના હૃદયમાંથી નિસાસો નીકળી જાય છે. કોઈ આગળ ખુલ્લીને રડી નથી શકતો તેથી ડૂસકું ભરાઈ જાય છે. આવા જ એક ડૂસકાંની વેદનાને મેં મારા ગઝલસંગ્રહમાં શબ્દો રૂપે ઉતારી છે. કહેવાય છે કે કોઈ ખભો ના મળે તો પણ હળવા થવા એકાંતમાં મોકળા મને રડી લેવું જોઈએ. તો મારા આ ડૂસકાંનાં માધ્યમથી મારો આશય તમને રડાવવાનો નહીં પરંતુ રડાવીને હળવા કરવાનો છે. મિત્રો જિંદગી અણમોલ છે, કોઈ કુપાત્ર આગળ આંખોને ઉલેચી ક્યારેય જિંદગીને સસ્તી કરવી નહીં, પરંતુ આ રીતે હળવા થતા રહીને જિંદગીને મોજથી માણતા રહેવી. “નાની અમથી કુલડીમાં થોડું અશ્રુ જળ ભરીને, આચમન તેનું કર્યું સંજીવની તેને ગણીને. કોઈ અંગત નહિ મળે કંઈ આંખને દિલથી વધારે, તેં છતાં અણમોલ આંસુ સસ્તું થ્યું જગમાં રડીને. – પ્રવીણ વાછાણી ” દિલેર “
Reviews
There are no reviews yet.