Description
આ નવલકથા આઠ વયસ્ક બહેનોએ સાથે મળી લખી છે.
ત્રણ સહેલીઓ અને એમના પરિવારના સંઘર્ષ, સફળતા, નિષ્ફળતા, સ્વાભિમાન, સિદ્ધિ અને મળેલી મંજિલની આ વાર્તા છે.
હિરવા, મમતા અને મહિમા, આ ત્રણ સખીઓ છે.
હિરવાને બે મોટી બહેનો છે જેનું સગપણ ગોતાય રહ્યું છે. મોટી બહેન કાનનને શરીરે સફેદ ડાઘ છે જેને લીધે એને જોવા આવનાર દસ ચોપડી પાસ મૂરતિયો નાનીબેનના હાથની માગણી કરે છે. સૌ એ વાતની ના કહી દે છે. કાનન લગ્ન ન કરવાનું નક્કી કરે છે ને નોકરી શોધવા લાગી જાય છે. એને મીઠીબાઈ કોલેજમાં ગુજરાતી લેકચરરની નોકરી મળી જાય છે.
બીજી બહેન આનન ઓછું ભણી છે. એને ફુલો અને એના શણગારમાં ખૂબ રસ છે. આખો દિવસ ફુલોના સાનિધ્યમાં રહેનાર આનન ફુલો જેવી જ નાજુક ને શરમાળ છે. હિરવાની સખીની બહેનના લગ્નમાં આનને કરેલા ફુલોના ગજરા, વેણી અને બીજા શણગાર જોઈ સખીની ભાભીનો ભાઈ આલોક જે પોતે ફ્લોરિસ્ટ છે, એ આનનને મળે છે. અને એનું કામ જોઈ આનનને પોતાની સાથે જોડાવા ઓફર કરે છે. શરમાતી સંકોચાતી આનનને હિરવા પ્રોત્સાહન આપે છે અને તે આલોક સાથે જોડાઈ જાય છે.
હિરવા એકદમ બોલ્ડ છે. એ કોલેજના સહાધ્યાયી અપૂર્વને પ્રેમ કરે છે.
મમતા એની બેંકમાં આવેલા ઓડિટર મી. તેજસ ધામીને મનોમન ચાહે છે. પણ તેજસ બીજવર છે એ ખબર પડતાં એના ઘરમાં વિરોધનો વંટોળ ઊઠે છે.
મહિમા એના ભાઈના મિત્ર સંકેતને, જેને એણે ક્યારેય જોયો પણ નથી એના પોતાના ભાઈ પર આવતા પત્રો વાંચીને મનોમન ચાહવા લાગે છે.
આ પ્રેમ કહાણીમાં કેટલાંય ઉતાર ચડાવ આવે છે. કેટલાંય રસપ્રદ બનાવો બનતા રહે છે. હિરવા સિવાય બાકીની સખીઓને એના મનમિત મળી જાય છે પણ હિરવાની પરિસ્થિતિ કંઇક અલગ રહે છે. જે જાણવા માટે વાર્તા વાંચવી જ રહી.
Reviews
There are no reviews yet.