Description
એમનું નામ જ કવિતા, એટલે કલમ અને કાગળનો સહયોગ સાંપડે તો સુંદર કાવ્યનું સર્જન થાય. આમ તો કલમ કાગળ અને કવિતા એ ત્રિવેણી સંગમ એટલે ‘ત્રિપુંડ’ કવિતા ભટ્ટ – રાવલ ‘કાવ્યહાર્દ’ રચિત હાઇકુ સંગ્રહ. ભલે કહેવાતું હોય કે, ‘ત્રણ તગડે કામ બગડે’ પણ કવિતા ભટ્ટ રાવલે ત્રણ લીટીના સત્તરાક્ષી કાવ્ય પ્રકાર હાઇકુ માં કમાલ સર્જી છે. કાવ્ય એ સાહિત્યનું એક અમૂલ્ય અંગ છે ઉમાશંકર જોશીએ લખ્યું છે કે, ‘કવિ, બે પૂઠાંની વચ્ચે તમારું હ્ર્દય ઉતર્યું છે ખરું ?’ કદાચ આ વાત સાર્થક કરતી હોય તેમ કવયિત્રી કવિતા ભટ્ટ – રાવલ ‘કાવ્યહાર્દ’ એ આ હાઇકુ સંગ્રહમાં પોતાનું હ્ર્દય ઉતારવા અથાગ પ્રયાસ કર્યો છે. કવિ રમેશ પારેખે લખ્યું છે કે, ‘કાવ્ય સર્જન એ મારી જાતને દોર બાંધીને આકાશમાં ઉડાવવાની પ્રવૃત્તિ છે કદાચ. તેમ બહેન કવિતાએ પણ આ સંગ્રહમાં ગગન વિહાર કર્યો હોય તેવું લાગ્યા વગર રહેતું નથી, અને તો જ આટલી બળુકી રચનાઓનું સર્જન થઈ શકે. અત્રે કવિ રાજેન્દ્ર શાહે લખેલી એક વાત યાદ આવે કે, ‘કવિતા લખવી એ સ્ફુરણ છે. કવિતા રચવી પડતી નથી, એ તો આપમેળે રચાઈ જાય છે.’ કદાચ એટલે જ કવિતાબહેન નાની ઉંમર છતાં આટલી સુંદર કાવ્ય રચનાઓ સર્જી શકતા હોય તો નવાઈ નહીં ! તેમના હાઇકુઓમાં વિષય વૈવિધ્ય ધ્યાન ખેંચી જાય છે. કૃષ્ણ, પરમેશ્વર, મન, સ્મૃતિ, માનવીથી લઈ જુદા જુદા વિષયો ઉપર રચેલ હાઇકુ માણવા જેવા છે. કેળ પત્રથી પ્રસન્ન થયા, કૃષ્ણ બાજોઠ ટાળે. તો આ હાઇકુ જુઓ,,, તૂટતી પાળ તળાવની! જોઈને સુકાતો વડ. સંભારણાંના પત્ર પર, ભુલાયું મૂળ જ નામ. લાગણી ભાવ અને શબ્દોની સુંદરતાથી સભર આ ત્રિપુંડ હાઇકુ સંગ્રહ વિશે વધુ કંઈ કહેવા કરતા ખુદ ભાવક તેનું પાન કરે તે વધારે યોગ્ય રહેશે. બહેન કવિતા ભટ્ટ-રાવલ ‘કાવ્યહાર્દ’ ને ખૂબ ખૂબ શુભેચ્છા. – બાલેન્દુશેખર જાની
Reviews
There are no reviews yet.